બે વર્ષમાં ગુજરાતના રસ્તા પર દોડતા જોવા મળશે આવા વાહનો, જાણો કેવા હશે એ વાહનો.

બે વર્ષમાં ગુજરાતના રસ્તા પર દોડતા જોવા મળશે આવા વાહનો, જાણો કેવા હશે એ વાહનો.

દિવસેને દિવસે ગુજરાત અને દેશમાં વ્હીકલની સંખ્યામાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે. તેવી સ્થિતિમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં પણ સતત વધારો નોંધપાત્ર છે. તેથી જ ગુજરાત સરકારે ખાસ વાહનવ્યવહાર માટે એક ચોક્કસ નીતિ બનાવી છે. જેમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને થોડો ફેરફાર પણ કર્યો છે. રાજ્યમાં આગામી બે વર્ષમાં 1 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનો માર્ગો પર દોડતાં થાય તે દિશામાં સક્રિય બની છે.

ઉપરાંત, સરકાર ઇલેક્ટ્રિક વાહનોના વહેંચવા માટે પ્રોત્સાહન આપવાનો વિચાર કરી રહી છે. હાલ રાજ્યમાં વાહનવ્યવહાર વિભાગની નવી નીતિમાં સૌથી વધુ ટુ-વ્હીલર પર ભાર મૂકવામાં આવ્યો છે. જો કે ઇલેક્ટ્રિક વાહનો રસ્તા પર દોડતા થાય તે નીતિ સરકારે ઘણાં સમયથી વિચારેલી હતી. પરંતુ કોરોનાની મહામારીના કારણે આ વિચારને અમલમાં મૂકવામાં વિલંબ થયો છે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, જો સરકાર આ નીતિમાં સફળ બનશે તો ગુજરાત રાજ્યમાં બે વર્ષમાં એક લાખથી વધારે ઇલેક્ટ્રિક વાહનો રસ્તા પર જોવા મળશે.

હાલની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં કુલ 2.52 કરોડ વાહનો પૈકી 1.84 કરોડ ટુ-વ્હીલર્સ છે. ઇલેક્ટ્રિક વ્હીકલની પોલિસીના ડ્રાફ્ટ અનુસાર, સરકાર સૌથી વધુ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર પર ફોકસ કરી રહી છે. હાલ રાજ્યમાં ફક્ત 11 હજાર જેટલાં ઇલેક્ટ્રિક વ્હીકલ છે, જે 2022 સુધીમાં એક લાખ કરતાં વધારે આંકડા સુધી પહોંચશે તેવો અંદાજ છે.

ઇલેક્ટ્રિક વ્હીકલની કિંમત વિશે વાત કરતા વાહનવ્યવહાર વિભાગના અધિકારીએ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારનાં પ્રોત્સાહીત પગલાં અને રાહતોને કારણે કંપનીઓ તેમનાં ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત ઘટાડી રહી છે. હવે તો કેટલીક કંપનીઓ ઇલેક્ટ્રિક વ્હીકલને બજારમાં  લોન્ચ કરી રહી છે, જેમાં પહેલું વ્હીકલ 2020 સુધીના અંતમાં બજારમાં આવે એવી શક્યતા છે.

બેટરી ચાર્જિંગ સ્ટેશનની સુવિધા : જ્યારે સરકાર પોતે ઇલેક્ટ્રિક વ્હીકલની સંખ્યામાં વધારો કરવાની નીતિ ઘડી રહી હોય તો જે રીતે અન્ય વ્હીકલ્સ માટે હાલ ઠેર ઠેર પેટ્રોલ પંપની સુવિધા છે. તે જ રીતે ઇલેક્ટ્રિક વ્હીકલ માટે પણ કોઈ એવી સુવિધા કરવી પડે. સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ માટે ચાર્જિંગ સ્ટેશન ઊભું કરવાનું પણ પ્રોત્સાહન જાહેર કર્યાં છે. ઇવીની નવી નીતિમાં ઇવી વાહનો તેમજ ઇવી ચાર્જિંગ સ્ટેશન માટેનાં વધુ પ્રોત્સાહનો તેમજ રાહતો જાહેર કરવામાં આવી રહી છે, હાલ રાજ્યના પેટ્રોલ પંપ અને સીએનજી પંપના સ્થાને ઇવી ચાર્જિંગ સ્ટેશન આપવાની સરકારે પોતાની તૈયારી બતાવી છે.

ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને વધારવા માટે સબસિડી અને ટેક્સમાં સરકાર દ્વારા રાહત આપવામાં આવી રહી છે. હાલ આ નીતિ ટુ-વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વાહનોને મળે જ છે, પરંતુ હવે કોમર્શિયલ વાહનોને પણ આપવામાં આવશે. સરકાર અલગ અલગ વાહનો માટે પણ અલગ નીતિ બનાવી રહી છે. સરકારની નીતિનો ડ્રાફ્ટ અનુસાર, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે બેટરી ચાર્જિંગ સ્ટેશન રાજ્યભરમાં સ્થાપિત કરવામાં આવશે. રાજ્યના ઊર્જા, પરિવહન, શહેરી વિકાસ અને નાણાં વિભાગના અધિકારીઓ નવી નીતિને મઠારી રહ્યા છે.

ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને ઇ-રિક્ષા માટે આર્થિક સહાય : રાજ્ય સરકાર દ્વારા આજ એટલે કે 18 સપ્ટેમ્બરના રોજ વધુ એક મહત્વપૂર્ણ યોજનાની જાહેરાત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતનાં નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતાં વાયુ-પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટૂ વ્હીલર – થ્રી વ્હીલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના જાહેર કરી છે. આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ-9 થી લઈને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ-વ્હીલર ખરીદવા સરકાર 12 હજાર રૂપિયાની સહાય આપશે. આ સહાય-સબસિડી 10 હજાર વાહનોને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તદ્દપરાંત વ્યક્તિગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઇ-રિક્ષા (થ્રી વ્હીલર) ખરીદી કરવા પર પણ 48 હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. જેના અંતર્ગત પાંચ હજાર ઇ-રિક્ષાઓને એનો લાભ મળી રહેશે.

Leave a Comment

error: Content is protected !!