શ્રીકૃષ્ણએ કહ્યું : કર્મનો સિદ્ધાંત કોઈને છોડતો નથી ..

કર્મનો સિદ્ધાંત

કોઈને કરેલા અન્યાય ની એક જ પળ…જીવન આખાની પ્રમાણિકતાનો ‘છેદ’ ઉડાડી મૂકે છે.

મહાભારત નું યુદ્ધ પુરું થયું ત્યારબાદ શ્રીકૃષ્ણ દ્વારિકા નગરી ચાલ્યા ગયા અને ત્યાં સુખચેન થી રાજ્ય ચલાવવા લાગ્યા. થોડા સમય બાદ ભગવાન શ્રીકૃષ્ણ પર્યટન માટે ગયા હતા તે પર્યટન બાદ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા પરત આવ્યાં અને હિંડોળા પર આરામ ફરમાવી રહ્યા હતા.

બરોબર એ જ સમયે પટ્ટરાણી રુક્મિણી તેની પાસે આવ્યાં અને બોલ્યા, હે સ્વામિ મારા મનમાં કેટલાય સમયથી એક વાત મને તંગ કરી રહી છે અને તે વાત મને આપના વિશે સંદેહ (શંકા)નો ઉદ્દભવ કરાવી રહી છે. તેમજ પાપ, પુણ્ય, અને કર્મના સિધ્ધાંત વિશે મારા મનમાં શંકાના ભમ્મરો ઉત્ત્પન્ન કરી રહી છે. જો આપની આજ્ઞા હોય તો હું એ વાત આપ સમક્ષ પ્રકટ કરીને તેનું નિવારણ પૂછી શકું?

ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા, હે પ્રિયે એવી તો કઈ વાત છે જે તમારા મનમાં આટલા બધા ભમ્મરો ઉત્ત્પન્ન કરી રહી છે? અને તે પણ મારા પર તેમજ પાપ, પુણ્ય અને કર્મ પર સંદેહ કરાવી રહી છે? આપ આવો, અહીં બેસો અને નિસંદેહ અને વિસ્તૃત વાત મને જણાવો. ત્યાર બાદ રુક્મિણીજી તેમની પાસે જઈ બેઠા અને વાત શરુ કરી….

હે માધવ,

મહાભારતના મહાયુદ્ધમાં ઘણા દાવપેચ થયા હતા છતાં પણ ધર્મનો વિજય થયો, પાંડવોનો વિજય થયો હતો. તેમાં તમે શસ્ત્ર ઉઠાવ્યા વગર પાંડવોની ઘણી મદદ કરી હતી પણ આપે ગુરુ દ્રોણ અને ભીષ્મ પિતામહ જેવા જ્ઞાની, પુણ્યશાળી અને મહાન યોદ્ધાઓને દગાથી મારવામાં તમે કેમ સહભાગી બન્યાં ? મને એ વાત નથી સમજાતી કે, આપે તમારી નજર આમ સમક્ષ કેમ થવા દીધું. શું એની મહાનતા ની કોઈ ગરિમા નહીં ? આ પાપ તમે કેમ થવા દીધું ? “

એવી તો તેમને શું ભૂલ કરી હતી કે, તેમની ભૂલ આગળ સ્વયં આપે પણ તેમની કોઈ મદદ ના કરી કે આપે પણ તેમને દગાથી મારવા દીધા?

પ્રથમ તો શ્રીકૃષ્ણ મૌન રહ્યાં…અને,ફક્ત સ્મિત આપ્યું !

પણ,રુક્મિણીએ લીધી વાત મૂકી નહીં અને, ફરી ફરી આ જ પ્રશ્ન પૂછવા લાગ્યાં…

ત્યારે શ્રીકૃષ્ણ બોલ્યાં :

હે પ્રિયે, યાદ રાખો કે, કર્મનો સિધ્ધાંત કોઈને છોડતો નથી. ભલે પછી તે મહાન ચક્રવતી રાજા હોય કે એક રંક હોય. તમામને કર્મના સિદ્ધાંતમાંથી પસાર થવું જ પડે છે. જેવા જેવા કર્મ કર્યા હશે તેવા તેવા ફળ ભોગવવા જ પડશે.

ગંગા પુત્ર ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણાચાર્ય તે બન્નેની મહાનતા, જ્ઞાન અને સારપ વિશે કોઈ શંકા નથી. પણ, એ બન્નેએ જીવનમાં ફક્ત એક જ એવું ‘પાપ’ કર્યું હતું કે જેનાં કારણે એની આખી જીંદગીની તમામ સારપ અને પુણ્યકર્મો ધોવાય ગયાં.

રુક્મિણી : “કયું પાપ નાથ ?”

શ્રીકૃષ્ણ બોલ્યા હે દેવી, એ બન્ને એ સભામાં ઉપસ્થિત હતાં કે જયાં દ્રૌપદીની લાજ લૂંટવાની કોશિશ થઈ. એ બન્ને એ ઘટના રોકવા બધી જ રીતે ‘સક્ષમ’ હતાં પણ, એમણે મૂંગા રહીને જોયા કર્યું. જે સારાપણું એક નારીનું અપમાન થતું રોકી ન શકે તે શું કામનું? આ એક જ પાપ એ બન્નેની તમામ શ્રેષ્ઠતા ને ધોઈ નાખવા માટે પૂરતું હતું !! ”

રુક્મિણીજી અચંબિત થઈને બોલ્યા એ સાચું સ્વામી. પણ, કર્ણનું શું ? એ તો એક શ્રેષ્ઠ મિત્ર, મહાપરાક્રમી અને મહાદાનેશ્વરી હતો તેમાં હતો કર્ણ નો શું દોષ હતો કે એને પણ દગાથી મારવામાં આવ્યો હતો? કે જેણે પોતાની માતા કુંતીને પણ, અર્જુન સિવાય કોઇપણ પાંડવને ન મારવાનું વચનદાન આપ્યું. ઇન્દ્રને પણ દાનમાં પોતાનાં કવચ કુંડળ આપી દીધાં એવાં મહાન દાતા ને ક્યા પાપે માર્યો ?

શ્રીકૃષ્ણ ફરી હસીને બોલ્યા, કર્ણ ખુબ મોટો દાનવીર હતો પણ… સાત સાત મહારથીઓ સામે સફળતાપૂર્વક એકલે હાથે લડતો મહાવીર અભિમન્યુ જયારે નીચે પડી ગયો…અને ત્યારે તે સાવ મૃત્યુની નજીક  હતો. તે જ વખતે તેણે અસીમ આશાથી પાસે જ ઊભેલા કર્ણ પાસે પીવાનું પાણી માંગ્યુ.

તેને આશા હતી કે દુશ્મન હોવાં છતાં, મહાન દાનેશ્વરી કર્ણ તેને જરૂર પાણી આપશે…પણ,

કર્ણની પાસે જ ચોખ્ખા મીઠાં પાણીનો ઝરો હોવાં છતાં, ફક્ત પોતાનો મિત્ર દુર્યોધન નારાજ ન થાય તે કારણે કર્ણ એ મરતા અભિમન્યુ ને પાણી ન આપ્યું…અને, એ બાળયોદ્ધો અભિમન્યુ તરસ્યો જ મરી ગયો !

હે પ્રિયે, આ એક જ ‘પાપ’ એનાં જીવન આખા દરમિયાન કરેલા દાનથી મળેલાં પુણ્યને નષ્ટ કરવા માટે પૂરતું હતું…અને, કાળની અકળ ગતિ જુઓ કે અને કર્મનો સિદ્ધાંત જુઓ એ જ પાણી નાં કાદવમાં કર્ણના રથનું પૈડું ફસાયું. અને, તે જ પાણી તેનાં મૃત્યુનું કારણ બન્યું !!

આ જ છે કર્મનો સિદ્ધાંત કોઈને કરેલા અન્યાય ની એક જ પળ જીવન આખાની પ્રમાણિકતાનો ‘છેદ’ ઉડાડી મૂકે છે. તમે હોય કે, હું કર્મનો સિદ્ધાંત સૌએ ભોગવવાનો જ છે.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરાના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro                 

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ.

તમારું કોઈ સુચન હોય તો અમને કોમેન્ટ કરી જણાવી શકો છો..

 

Leave a Comment