હવા અને AC થી ફેલાઈ શકે છે કોરોના સંક્રમણ, કેન્દ્ર સરકારે બતાવી સાવધાની અને નવા ઉપાયો..

આપણે જાણીએ છીએ કે સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે ચારેબાજુ હાહાકાર મચાવી દીધો હતો. જ્યારે લોકોમાં સંક્રમણ પણ દિવસે દિવસે વધી રહ્યું છે. આમ કોરોનાના કેસ વધી રહ્યા છે તો તેની સામે દેશમાં વેક્સીનેશનનું કામ પણ વધી રહ્યું છે. હાલ તો કેન્દ્ર સરકારે ગાઈડલાઈન્સ બહાર પાડી છે જેમાં એરોસોલ અને ડ્રોપલેટ્સ ટ્રાન્સમિશનને કોરોના વાયરસ ફેલાવવા માટે જવાબદાર માનવામાં આવે છે. જ્યારે કોઈ સંક્રમિત વ્યક્તિ ઉધરસ ખાય છે, છીંક ખાય છે, અથવા તો બોલે છે તો તેના મોઢામાંથી જે છાંટા ઉડે છે, તેને ડ્રોપલેટ કહે છે, ઘણી વખત આ છાંટા હવામાં પણ રહી જાય છે જેનાથી બીજી કોઈ વ્યક્તિ સંક્રમિત થઈ શકે છે.

કેન્દ્ર સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકારે એક જાણકારી આપી છે, જેમાં એરોસોલ અને ડ્રોપલેટ્સ ટ્રાન્સમિશનના કોરોના વાયરસ ફેલાવવા માટેનું પ્રમુખ કારણ માનવામાં આવે છે. જાણકારી અનુસાર એરોસોલ હવામાં 10 મીટર સુધી ફેલાઈ શકે છે.પહેલા લોકો માત્ર મોઢા અને નાકમાંથી નીકળેલ છાંટાને જ કોરોના સંક્રમણનું પ્રમુખ કારણ માનતા હતા. અને તેઓ એરોસોલને મહત્વ આપતા ન હતા. પણ હવે એવું માનવામાં આવે છે આ બંને ખુબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. કેન્દ્ર સરકારના દિશા સુચન અનુસાર વાયરસ સંક્રમિત વ્યક્તિની લાળ અને નાકમાંથી છાંટા વાયરસ સંક્રમણનું પ્રાથમિક ચરણ છે. સરકાર દ્વારા નિર્ધારિત જાણકારી અનુસાર લક્ષણ વગરનો એક સંક્રમિત વ્યક્તિ પણ વાયરસને ટ્રાન્સમિટ કરી શકે છે.

હવે આપણે ડ્રોપલેટ્સ ઇન્ફેકશનની વાત કરીએ તો તે 5 માઈક્રોનથી વધુ મોટા હોય છે. ડ્રોપલેટ્સ બોલવાથી, ઉધરસ આવવાથી, છીંક ખાવાથી બહાર નીકળે છે. જો કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિ આવું કરે છે તો તેના મોઢા કે નાકમાંથી ડ્રોપલેટ્સ નીકળીને કોઈ પણ સપાટી પર ફેલાઈ જાય છે. તે સંક્રમિત વ્યક્તિથી 2 મીટર દૂર પણ જઈ શકે છે. આ સપાટીને સ્પર્શ કરવાથી સંક્રમણ વધી શકે છે. જ્યારે એરબોર્નને એરોસોલ ટ્રાન્સમિશન કહે છે. તેમાં વાયરસની સાઈઝ 5 માઈક્રોનથી ઓછી હોય છે. આથી તે હવામાં ભળીને 10 મીટર સુધી સંક્રમણ ફેલાવી શકે છે.આથી હવે ડ્રોપલેટ્સ ટ્રાન્સમિશનની સાથે સાથે એરોસોલ ટ્રાન્સમિશનને પણ ખતરનાક માનવામાં આવે છે. આ સમયે તમારે એક વાતનું ધ્યાન રાખવાની જરૂર છે કે ઘરની અંદર ક્રોસ વેન્ટિલેશન એટલે કે હવા બહાર જતી રહે. જે રીતે કોઈ દુર્ગંધને વેન્ટિલેશનથી ઓછી કરી શકાય છે. તે રીતે જ વેન્ટિલેશન દ્વારા વાયરસના ખતરાને પણ ઓછો કરી શકાય છે. બારીઓ ખુલી રાખવી અને આપણા માટે સ્વચ્છ હવા ખુબ જ જરૂરી છે.

ઉનાળામાં લોકો કોરોના વાયરસથી બચવા માટે પોતાના ઘરના બારી, બારણાઓ બંધ કરીને AC અથવા કુલરની ઠંડી લેવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે બંધ રૂમમાં કોરોના વાયરસનો ખતરો વધી શકે છે. હવે કેન્દ્ર સરકાર જાણકારી આપી રહી છે કે, જે રૂમમાં વેન્ટિલેશનની કમી છે અથવા વધુ AC અથવા કુલરનો ઉપયોગ કરવાથી કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે.તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવનના કાર્યાલયે એક નવી જાણકારી આપતા જણાવ્યું છે કે, ઉચિત વેન્ટિલેશનનો ઉપયોગ કોરોના વાયરસના સંક્રમણને રોકી શકે છે. આ સિવાય જે લોકો બારી, બારણાઓને બંધ કરીને AC અથવા કુલરનો પ્રયોગ કરી રહ્યા છે તેમણે આ વિશે કડક ચેતવણી આપવામાં આવે છે. સરકારના જણાવ્યા અનુસાર, AC ચાલુ હોવાથી સંક્રમિત હવા અંદરથી બહાર નથી નીકળી શકતી, આથી બીજા લોકોમાં સંક્રમણનો ખતરો વધી જાય છે.

એક્સપર્ટ અનુસાર કોઈ પણ નાની જગ્યા પર AC થી સંક્રમણ ફેલાવવાની સંભાવના વધી જાય છે. કોઈ પણ સંક્રમિત વ્યક્તિના બોલવાથી, છીંક ખાવાથી અથવા ઉધરસ આવવાથી ડ્રોપલેટ્સ AC ની હવા સાથે ભળી જાય છે અને ઘરની અંદર ફેલાઈ જાય છે. આથી સંક્રમણ બીજા લોકોમાં સહેલાઈથી ફેલાઈ શકે છે.જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે ઘરની બારીઓ ખુલ્લી રાખો. પોતાના ઘરના એર ફિલ્ટરને નિર્દેશ અનુસાર બદલી શકો છો. જેનાથી ડ્રોપલેટ્સ અને એરોસોલના કણને દુર કરી શકાય છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. વારંવાર હાથ ધોતા રહો, હાથથી મોઢાને અને નાકને સ્પર્શ ન કરો, ડબલ માસ્ક પહેરો. દરવાજાના હેન્ડલ, લીફ્ટના બટન, લાઈટ સ્વીચ, ટેબલ, ખુરશીઓ અને ફર્શને બ્લીચ અથવા ફિનાઈલથી સાફ કરો. આ બધા નિયમોનું પાલન કરો અને પોતાને કોરોના સંક્રમણથી બચાવીને રાખો.

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment