મસાલા પાપડી ગાંઠિયા બનાવો હવે ઘરે જ…. બજારમાં મળે તેનો સ્વાદ પણ ફિક્કો લાગશે….

મસાલા પાપડી ગાંઠિયા બનાવો હવે ઘરે જ…. બજારમાં મળે તેનો પણ સ્વાદ ફિક્કો લાગશે….

મિત્રો આજે અમે તમને પાપડી ગાંઠિયા બનાવવાની રેસેપી જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો ઘણા લોકો પાપડી ગાંઠિયા બજારમાંથી જ ખરીદતા હોય છે. કારણ કે ઘરે બનાવેલા પાપડી ગાંઠિયાનો ટેસ્ટ બજારમાં મળતા પાપડી ગાંઠિયા જેવો નથી આવતો, પરંતુ આજે અમે જે રીતે ગાંઠિયા બનાવવાની રીત જણાવશું તે રીતે જો તમે પાપડી ગાંઠિયા બનાવશો તો તેનો ટેસ્ટ બજાર કરતા પણ સારો આવશે.

તો ચાલો જાણીએ બજાર જેવા મસાલા પાપડી ગાંઠિયા બનાવવા માટે જોઈતી સામગ્રી અને બનાવવાની રીત.

મસાલા પાપડી ગાંઠિયા બનાવવા માટે જોઈતી સામગ્રીઓ:-  મિત્રો ખુબ જ ઓછી સામગ્રીમાં તમે મસાલા પાપડી ગાંઠિયા બનાવી શકો છો. પાપડી ગાંઠિયા બનાવવા માટે ત્રણ કપ ચણાનો લોટ, (જો ચણાનો લોટ બજારમાંથી લેવામાં આવશે તો ટેસ્ટ ખુબ સારો આવશે પરંતુ તમે ઘરે બનાવેલો ચણાનો લોટ પણ ઉપયોગમાં જ લઇ શકો છો) અડધો કપ તેલ મોણ માટે, એક નાની ચમચી હિંગ, એક નાની ચમચી હળદર, મીઠું સ્વાદ અનુસાર, ગાંઠિયા તળવા માટે તેલ તેમજ પાણી જરૂરીયાત મુજબ.

આ ઉપરાંત મસાલા પાપડીનો મસાલો બનાવવા માટે એક નાની ચમચી હિંગ, એક ચમચી સંચળ અને બે નાની ચમચી લાલ મરચું પાવડર જોઈશે.

મસાલા પાપડી ગાંઠિયા બનાવવાની રીત:-

મસાલા પાપડી બનાવવા માટે સૌપ્રથમ ચણાનો લોટ ચાળી લો. જેથી લોટમાં રહેલી ગોળીઓ ન રહે તેમજ તેને હવાનો સ્પર્શ મળશે જેના કારણે પાપડી બજાર જેવા સોફ્ટ થશે. ત્યાર બાદ પાપડીને સોફ્ટ બનાવવા માટે ચણાના લોટમાં અડધો કપ તેલ નાખી દો. તેનાથી પાપડી એકદમ સોફ્ટ એટલે કે પોચી બનશે અને જો તમે પાપડીને સોફ્ટની બદલે કડક બનાવવા માંગતા હોય તો તમારે તેમાં અડધા કપનું પણ અડધું જ તેલ નાખવાનું રહેશે.

હવે લોટને બરાબર મસળીને તેલનું બરાબર મોણ લોટમાં આપી દો. ત્યાર બાદ તેમાં મીઠું, હળદર અને હિંગ ઉમેરી દો. હવે લોટમાં બધું બરાબર મિક્સ થઇ જાય તે રીતે લોટને બરાબર મસળી લો. ત્યાર બાદ હવે મહત્વનું કાર્ય આવે છે જેમાં ખાસ ધ્યાન રાખવાનું છે અને તે છે ગાંઠિયા માટેનો લોટ બાંધવાનું. લોટ બાંધવા માટે અડધોથી પોણો કપ પાણી જોઇશે. પહેલા લોટમાં થોડું થોડું કરીને પાણી ઉમેરતા જાવ અને લોટને મસળતા રહો ત્યાર બાદ લોટને બે થી ત્રણ મિનીટ મસળો.

ત્યાર બાદ કપમાં રહેલું પાણી ઉમેરી દો અને ફરી લોટને મસળો. હવે લોટને એકદમ ઢીલો બનાવવાનો છે તેના માટે હથેળી પર જોર આપીને લોટને બરાબર મસળવાનો છે. જે રીતે બાજરાનો રોટલો બનાવવા માટે લોટને મસળીએ તે જ રીતે લોટને પાંચથી સાત મિનીટ લોટને બરાબર મસળવાનો છે.

મસળ્યા બાદ તમે જોશો તો લોટનો કલર પણ હવે બદલાઈ ગયો હશે. તેના પર પાણી વાળા હાથ ફેરવી દો જેથી લોટ સુંકાઈ નહિ. હવે તળવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દો. તેલ ગરમ થાય ત્યાં સુધી ગેસની આંચ વધારે રાખવાની છે અને તેલ ગરમ થઇ જાય ત્યાર બાદ ગેસને ધીમો કરી દેવાનો છે.

હવે ગાંઠિયાને સીધા તેલમાં પાડવાના છે તેના માટે સેવના સંચામાં પાપડી ગાંઠિયાની લાંબા આંકા વાળી જાળી હશે. તે જાળીને  સંચામાં લગાવી તેમાં પાપડીનો લોટ ભરી દો. ત્યાર બાદ સીધા તેલમાં જેટલા સમાઈ એટલા ગાંઠિયા પાડી દો. હવે ગાંઠિયા થોડા તળાઈ જાય ત્યાર બાદ જ તેમાં જારો નાખીને હલાવવાના છે નહિ તો ગાંઠિયા તૂટી જશે. ગાંઠિયા થોડા તળાઈ જાય ત્યાર બાદ તેમાં જારો નાખીને તેને ઉલટા સુલટા કરીને તળી લો અને પ્લેટમાં કાઢી લો. આ રીતે બધા જ ગાંઠિયાને તળી લો.

 

હવે તમેં પાપડીને મસાલા વગર પણ ખાઈ શકો છો. પરંતુ તેને વધારે ટેસ્ટી બનાવવા માટે તેના પર મસાલો છાંટવો. તેના માટે સંચળ, હિંગ અને લાલ મરચું પાવડર બરાબર મિક્સ કરીને તે મસાલો પાપડી પર ભભરાવી દો અને પાપડીમાં મિક્સ કરી દો.

તૈયાર છે બજાર જેવી જ ટેસ્ટી અને સોફ્ટ મસાલા પાપડી… જો તમે પણ ઘરે પાપડી ગઠીયા બનાવો છો તો તમારી રીત અહી કોમેન્ટ કરી જણાવો 

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

1 thought on “મસાલા પાપડી ગાંઠિયા બનાવો હવે ઘરે જ…. બજારમાં મળે તેનો સ્વાદ પણ ફિક્કો લાગશે….”

Leave a Comment