તમારી પ્રગતિ ચોક્કસ થશે વાંચો આ લેખ | જીવનમાં કર્મ મોટું હોય કે ભાગ્ય?. એક જંગલ હતું અને તે જંગલની બંને બાજુ અલગ અલગ રાજા રાજ્ય કરતા હતા.

મિત્રો આપણા મનમાં હંમેશા એક સવાલ રહેતો હોય છે કે કર્મ મોટું કે ભાગ્ય ? કોઈ કહે છે કર્મ કરો તેનું ફળ મળી જશે, તો કોઈ કહે છે કે ભાગ્યમાં હશે તો મળી જશે. કોઈ કહે છે કર્મ સર્વશ્રેષ્ઠ છે તો કોઈ કહે છે ભાગ્ય ખુબ બળવાન છે. પરંતુ આ વાતનો સચોટ ઉત્તર ગીતામાં જણાવેલો છે. તો ગીતામાં જણાવ્યું છે એ પ્રમાણે જણાવશું કે સૌથી બળવાન કોણ છે ભાગ્ય કે કર્મ.

પરંતુ ગીતામાં આ વાતને એવી રીતે કહેવાયેલી છે કે જે આપણને ક્યારેક સમજવી અઘરી પડી જાય છે. તે વસ્તુ જાણ્યા બાદ પણ આપણને મનમાં અમુક પ્રશ્નો રહી જાય છે. માટે આજે અમે તમને કર્મ અને ભાગ્ય સંબંધિત એક વાર્તા જણાવશું જે જાણ્યા બાદ તમને ગીતામાં કહેલી વાત ખુબ જ સરળતાથી સમજાય જશે.

એક જંગલ હતું અને તે જંગલની બંને બાજુ અલગ અલગ રાજા રાજ્ય કરતા હતા. તે જંગલમાં એક સંત રહેતા હતા અને બંને રાજા તે સંતને પોતાના ગુરુ માનતા હતા અને તેમનો આદર પણ કરતા હતા. પરંતુ સમસ્યા એ હતી કે બંને રાજાના રાજ્યની વચ્ચે એક નદી વહેતી હતી અને તે નદી બંને રાજ્યો માટેનો એક માત્ર જળસ્ત્રોત હતો. તેથી તે નદીને લઈને બંને રાજ્યોના રાજા વચ્ચે વિવાદો થતા. પરંતુ એક વાર વિવાદ ખુબ જ વધી ગયો અને બંને રાજ્યોએ યુદ્ધનો નિર્ણય લઇ લીધો.

ત્યાર બાદ બંને રાજા એક પછી એક જંગલમાં રહેતા સંતના આશીર્વાદ લેવા પહોંચી જાય છે. પહેલા જે રાજા આવે છે તેને સંત જણાવે છે કે તારા ભાગ્યમાં જીત નથી, પછી આગળ ઈશ્વરની મરજી. આ સાંભળી રાજા ગભરાયો અને તેણે સેનાને આદેશ આપ્યો કે આપણે પૂરી તાકાતથી લડીશું. ભલે આપણા ભાગ્યમાં જીત ન હોય, ભલે આપણે યુદ્ધ હારી જઈએ. પરંતુ આપણે યુદ્ધ એટલા પ્રક્રામથી લડીધું કે હારવા છતાં પણ આપણે પરાક્રમનું એક શ્રેષ્ઠ ઉદાહરણ બનીએ.

ત્યાર બાદ બીજો રાજા એ સંત પાસે જાય છે. ત્યારે સંત તેને જણાવે છે કે જીત તારા ભાગ્યમાં છે, આગળ ઈશ્વરની મરજી. આ સાંભળી તે રાજા ખુબ જ ખુશ થઇ જાય છે. વિચારે છે કે ભાગ્યમાં જ જીત છે તો પછી ગભરાવું શું. ત્યાર બાદ બંને રાજા વચ્ચે યુદ્ધ થાય છે અને પહેલો રાજા અને તેની સેના ખુબ તાકાતથી લડે છે. જ્યારે બીજો રાજા ગફલતમાં જ લડે છે કે ગમે એ થાય જીત તો મારા જ ભાગ્યમાં છે. તેના મગજમાં ભાગ્યની વાત એટલી ઘર કરી બેઠી કે યુદ્ધમાં તેના ઘોડાની નાળ નીકળી ગઈ છે તેનું પણ તેને ભાન ન રહ્યું અને ઘોડો થોડી વાર બાદ લંગડાવવા લાગ્યો અને રાજા પડી ગયો. ત્યાર બાદ તે રાજા દુશ્મનના હાથમાં આવી ગયો અને તેનો પરાજય થયો.

પહેલો રાજા જીતી ગયો અને બંને રાજ્ય તેના ભાગ્યમાં આવી ગયા. જ્યારે ભાગ્યની ગફલતમાં બીજો રાજા પારાજીત થયો. ત્યાર બાદ બંને સંત પાસે જઈને પ્રશ્ન પૂછે છે કે આવું કઈ રીતે થયું ? ભાગ્યમાં લખાયેલું કેમ બદલાય ગયું ?

ત્યારે સંત જવાબ આપે છે કે ભાગ્ય નથી બદલાયું. ભાગ્ય તો તેની જગ્યાએ સ્થિર જ છે. માત્ર તમે લોકો બદલાય ગયા. ત્યાર બાદ જીત મેળવનાર રાજાને સંત કહે છે કે પોતે હારી જવાનો છે તે જાણીને તેણે યુદ્ધ માટે દિવસ રાત તૈયારી કરી અને જાતે જ યુદ્ધની બધી જવાબદારીઓ ઉપાડી અને પૂરી તાકાતથી લડવાનું નક્કી કર્યું. જ્યારે પરાજિત રાજાને સંત કહે છે કે તેણે ભાગ્યમાં જીત છે એવું જાણીને યુદ્ધ જીત્યા પહેલા જ તે ઉત્સવ મનાવવા લાગ્યો. એટલો ખુશ થઇ ગયો કે તેના ઘોડાની નાળનો પણ ખ્યાલ ન રહ્યો. તે તારું વ્યક્તિત્વ જ બદલી નાખ્યું તે પરિસ્થિતિમાં ભાગ્ય બિચારું શું કરે.

આ વાત પરથી આપણને એ શીખ મળે છે કે ભાગ્યનું લખાણ કર્મનું ચુંબક હોય ત્યાં ખેંચાઈ છે. તેથી આપણા કર્મોનું પરિણામ જ આપણું ભાગ્ય રચે છે. આપણે અનુકુળ કર્મ કરીને ભાગ્યને આપણી બાજુ ખેંચી શકીએ છીએ. આપણા કર્મોનું પરિણામ જ ભાગ્ય છે. અનુકુળ કર્મ કરીને ભાગ્યને આપણી બાજુ ખેંચી શકીએ છીએ. જ્યારે ભાગ્યના ભરોસે બેસીને કર્મો છોડી દઈએ તો પરાજય અને દુઃખ સિવાય બીજું કંઈ નથી મળતું. ગીતામાં પણ આજ વાત કહેવાયી છે. ગીતાના બીજા અધ્યાયના 47 માં શ્ર્લોકમાં ભગવાન જણાવે છે કે કર્મ પર તારો અધિકાર છે, ફળ પર નહિ. માટે ફળની ચિંતા કાર્ય વગર કર્મ કરતા રહો.

મિત્રો અહીં એક વાત તો સાબિત થઇ ગઈ કે કર્મથી મોટું ક્યારેય આપણું ભાગ્ય ન બની શકે. આપણું ભાગ્ય ગમે એટલું સારું હોય પણ આપણે તેના માટે કોઈ કર્મ જ ન કરીએ તો તે વ્યર્થ જાય છે. જો આપણે હંમેશા કર્મ કરતા રહીએ તો ભાગ્યને પણ ખેંચાઈને આપણી પાસે આવવું પડે છે. આ વાત પર તમારો શું અભિપ્રાય છે. કર્મ મોટું કે ભાગ્ય ? કોમેન્ટ કરીને તમારો કિંમતી અભિપ્રાય જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ….

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment